- ૨૪ કલાકની રેડિયો સર્વિસનુ સ્વપ્ન પૂર્વ વિદ્યાર્થીએ સાકાર કર્યુ
- પરફોર્મિંગ આર્ટસ ઉપરાંત અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કાર્યક્રમો રજુ કરશે : કેમ્પસમાં થતી તમામ પ્રવૃત્તિઓની જાણકારી સ્ટુડન્ટસને મળતી રહેશે
એમ. એસ. યુનિવર્સિટી કેમ્પસના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ઓનલાઈન રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ રેડિયો સ્ટેશનને મહારાજા સયાજીરાવના નામ પરથી સયાજી એફએમ નામ આપવામાં આવ્યુ છે. યુનિવર્સિટીના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી યોગેશ જાંગીરે આ સ્ટેશનની સ્થાપના કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.
યોગેશ જ્યારે સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હતો ત્યારે ૨૦૧૧માં જ તેણે યુનિવર્સિટી કેમ્પસમાં કોમ્યુનિટી રેડિયો સર્વિસ શરુ કરી હતી.આ માટે તે ઈન્ટરનેટ પરથી રેડિયો ટ્રાન્સમીટર બનાવવાનુ પણ શીખ્યો હતો. જેના આધારે તેણે સાયન્સ ફેકલ્ટીમાં ૧.૫ વોટનુ ટ્રાન્સમિટર લગાવ્યુ હતુ. આ ટ્રાન્સમિટરના આધારે તેણે એક વર્ષ સુધી રેડિયો સર્વિસ ચાલવી હતી.
હવે તેણે અભ્યાસ બાદ ઓનલાઈન એફએમ રેડિયો સ્ટેશનની સ્થાપના કરી છે.આ રેડિયો સ્ટેશન યુનિવર્સિટી કેમ્પસની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપશે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે થનારી વાતચીતનુ પ્રસારણ કરશે. યુનિવર્સિટી દ્વારા શરૃ કરાયેલા ઈન્ટર્નશીપ પ્રોગ્રામના ભાગરૃપે આ રેડિયો સ્ટેશન માટે કેટલાક વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત અગાઉ આરજે રહી ચુકેલા રાજ ખીડીયા પણ રેડિયો સ્ટેશનના આયોજનમાં મદદ કરી રહ્યા છે.
યોગેશ કહે છે કે આગામી દિવસોમાં રેડિયો માટે કેમ્પસમાં આરજે હન્ટનુ આયોજન કરીને કેટલાક વિદ્યાર્થીની આરજે તરીકે પસંદગી કરવામાં આવશે.પસંદ થનારા વિદ્યાર્થીઓ કેટલાક પ્રોગ્રામનુ હોસ્ટિંગ કરશે.આ ઉપરાંત વિદ્યાર્થીઓને રેડિયો પ્રોગ્રામમાં તેમની ટેલેન્ટ બતાવવાની પણ તક મળશે. ક્લાસીકલ મ્યુઝીક માટે પરફોર્મિંગ આર્ટસ સાથે પણ અમે જોડાણ કરવાના છે. પરફોર્મિંગ આર્ટસના વિદ્યાર્થીઓ ફેકલ્ટીના અધ્યાપક પ્રો. રાજેશ કેલકરના માર્ગદર્શન હેઠળ રેડિયો માટે કાર્યક્રમો પ્રસ્તુત કરશે. રેડીયો પર વિદ્યાર્થીઓને મનોરંજનની સાથે સાથે વિવિધ જાણકારી પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ સયાજી એફએમને રેડીયો.નેટ કે ટયુનઈન રેડિયો નામની મોબાઈલ એપનો ઉપયોગ કરીને ડાઉનલોડ કરી શકે છે.
નવેમ્બર 02, 2015 (સોમવાર); ગુજરાત
સમાચાર, વડોદરા