- યુનિ.ની ફેકલ્ટી ઓફ સાયન્સના 'યોગી - રાજ - મધુ'નું નવું સાહસ
- જિઓલોજી વિભાગના કલાસરૂમમાં સ્ટેશન ઊભું કરાયું
મેહુલ વ્યાસ. વડોદરા
'ગુડ મોર્નિગ... મ.સ. યુનિ.' સાયન્સ ૯૫.૫ એફએમ ટૂંક સમયમાં મ.સ. યુનિ.ના વિદ્યાર્થીઓના મોબાઇલ - આઇપોડમાં ગુંજવા માંડશે. સાયન્સ ફેકલ્ટીના 'યોગી - રાજ - મધુ' ગ્રૂપ દ્વારા આજે સાયન્સ ૯૫.૫ એફએમનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાયન્સ ફેકલ્ટીના જિઓલોજી વિભાગના વિદ્યાર્થીઓ યોગેશ જાંગિડ, રાજેશ કેવટ અને મધુસૂદન રાંકાવત દ્વારા યુનિ.નું એફએમ તૈયાર કરાનાર હોવાનો અહેવાલ 'દિવ્ય ભાસ્કરે' દિવાળી ટાણે પ્રસિદ્ધ કર્યો હતો.
યોગેશ જાંગિડે જણાવ્યું હતું કે, યુનિ.ના વિદ્યાર્થીઓને મનોરંજન સાથે પરીક્ષા, સેમિનાર વગેરેની માહિતી આપતું એમએફ સ્ટેશન ઊભું કરવામાં ફેકલ્ટી ડીન સહિત જિઓલોજિ વિભાગના શિક્ષકોએ યુનિ.ના એમએફ સ્ટેશનને કાર્યરત કરવા બાબતે સંપૂર્ણ સહકાર આપી અમને પ્રોત્સાહિત કર્યા હતાં.
તેણે ઉમેર્યું હતું કે, આજે સવારે જિઓલોજી વિભાગના કલાસમાંથી સાયન્સ એફએમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન જણાયું કે, સાયન્સ ફેકલ્ટીમાં ખૂબ સારી રીતે સિગ્નલ પકડાતાં હતાં. હંસા મહેતા લાઇબ્રેરી સુધી એફએમ બરાબર પકડાતું હતું. એકંદરે, લગભગ એક કિલોમીટરની રેન્જમાં ફેકલ્ટીના ઘણાં વિદ્યાર્થીઓએ આઇપોડ અને મોબાઇલ પર સાયન્સ એફએમ પકડીને ગીતો સાંભળ્યા હતાં.
યોગેશે વધુમાં જણાવ્યું હતું કે, અમારી ઇચ્છા સાયન્સ એફએમ આખી યુનિ.માં પકડાય તેવી છે. આ અંગે આગામી બે દિવસમાં કામગીરી કરવામાં આવશે.
વિદ્યાર્થીઓ જ બનશે સાયન્સ એફએમના આરજે
૯૫.૫ બરાબર કાર્યરત થયા બાદ સવારે ૯થી સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે. એમ કહી યોગેશ જાંગિડ ઉમેર્યું હતું કે, ફેકલ્ટી કે યુનિ.ના આરજે બનવા ઇચ્છતા વિદ્યાર્થીઓને મોકો અપાશે. ઉપરાંત પ્રોફેસર્સ પણ એફએમ પરથી વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી રજુ કરી શકશે.
એફએમ શું પીરસશે?
૯૫.૫ સાયન્સ એફએમ પરથી યુનિ.ના વિદ્યાર્થીઓને પરીક્ષા, યૂથ ફેસ્ટિવલ, સેમિનાર વગેરેની માહિતી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, ગીત સંગીત પણ સંભળાવવામાં આવશે. તેમજ કોઇ મહાન કે જાણીતી વ્યક્તિઓ તેમજ યુનિ.ના મહેમાન બનેલાં તજજ્ઞોના રેકોર્ડેડ વક્તવ્યો પણ રજુ કરાશે.
જાન્યુઅરી 14, 2011 (શુક્રવાર); દિવ્ય ભાસ્કર, વડોદરા