- સાયન્સ ફેકલ્ટીના ત્રણ વિદ્યાર્થીઓની અનોખી પહેલ
- 'એમએસયુબરોડા' ના નામે ગુગલ પર તૈયાર કરેલી સેવામાં ૧૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ જોડાયાં
- સમગ્ર યુનિ.ને સાંકળી લેવાય તેવી એસવાય બીએસસી, જિઓલોજી કરતાં ત્રણ મિત્રોની મહેચ્છા
-પરીક્ષા તારીખ, ફી ભરવાની તારીખ સહિતના કાર્યક્રમોનાં મેસેજ મોકલાય છે
મેહુલ વ્યાસ. વડોદરા
'આજે બપોરે ૧૧થી ૧ દરમિયાન એસ.વાય. બી એસસીની ફિઝિકસની પરીક્ષા છે' તેવો મેસેજ મળી જાય તો અને 'ફી ભરવાની આજે છેલ્લી તારીખ છે' તેવો એસએમએસ મળી જાય તો ભૂલકણા વિદ્યાર્થી દંડ ભોગવવામાંથી બચી જાય. આવી જ નિ:શુલ્ક એસએમએસ સેવા યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના જિઓલોજી વિભાગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતાં ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે.
ઇન્ટરનેટ પર ખણખોદ કરીને સમય બગાડતાં વિદ્યાર્થીઓને દાખલા રૂપ બની શકે તે રીતે યુનિ.ની સાયન્સ ફેકલ્ટીના ત્રણ વિદ્યાર્થીઓએ ગુગલની મફત એસએમએસ સેવાનો ઉપયોગ કરીને બતાવ્યો છે.
ઇન્ટરનેટ પર નિ:શુલ્ક એસએમએસને લગતી અનેક સાઇટ ઉપલબ્ધ છે. જોકે, આવી વેબસાઇટનો મોટેભાગે ફાલતુ કાર્યો માટે કે મોજમઝા માટે જ ઉપયોગ થતો હોય તેમ જોવા મળે છે. પરંતુ એસ.વાય. બી એસસી (જિઓલોજી)માં અભ્યાસ કરતા યોગેશ જાંગિડ, રાજેશ કેવટ અને મધુસૂદન રાંકાવત દ્વારા આવી સેવાનો ખૂબ જ ઉત્તમ ઉપયોગ કરાયો છે.
'દિવ્ય ભાસ્કર' સાથેની ખાસ વાતચીતમાં ત્રણે મિત્રોએ જણાવ્યું હતું કે, આશરે એક વર્ષ અગાઉ અમને ગુગલ દ્વારા અપાતી નિ:શુલ્ક સેવાનો સદ્ઉપયોગ કરવાનો વિચાર આવ્યો હતો અને અમે વિચારને તાત્કાલિક અમલમાં મૂકી દીધો હતો. આજે અમારા ગ્રૂપમાં ૧૩૦૦થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ જોડાયાં છે. પરીક્ષાનાં ફોર્મ ભરવા, પરીક્ષાની તારીખ, ફી ભરવાની તારીખ સહિત વિવિધ કાર્યક્રમોની માહિતીના એસએમએસ અમે મોકલીએ છીએ.
હાલ તો અમે માત્ર સાયન્સ ફેકલ્ટીને જ પ્રાધાન્ય આપી શકીએ છીએ. પણ અમારી ઇચ્છા સમગ્ર યુનિ.ના મોટા ભાગના વિદ્યાર્થીઓને સાંકળી લેવાની છે. જો યુનિ.ની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ અમારા ગ્રૂપમાં જોડાશે તો તે બધી જ ફેકલ્ટીની માહિતી અમે મેસેજ દ્વારા મોકલીશું. યોગેશ જાંગિડના કહેવા પ્રમાણે અમે ત્રણે મિત્રો રોજ મેસેજ અપડેટ કરી છીએ. દરરોજ યુનિ.ને લગતી મહત્વની માહિતી હોતી નથી. માટે રોજના સરેરાશ ત્રણ સુવિચારના મેસેજ મોકલીએ છીએ. આ ઉપરાંત અમારી સેવામાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે માટે જાતે તૈયાર કરેલા કાગળની ઝેરોકસનું વિતરણ કરીએ છીએ. વિદ્યાર્થીઓ તરફથી અમને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.
યુનિ.નાં વિદ્યાર્થીઓ માટે અલાયદું એફ.એમ. સ્ટેશન શરૂ કરવું છે
યોગેશ જાંગિડના કહેવા પ્રમાણે અમે યુનિ. કેમ્પસ પૂરતું એફએમ સ્ટેશન શરૂ કરવાનું વિચારી રહ્યા છે. આ માટે ઇન્ટરનેટ પરથી સર્કિટ ડાયગ્રામ મેળવી લીધા છે. અમારો પ્રોજેક્ટ પ્રાથમિક ચરણમાં છે. ત્રણેક કિ.મી.ના સર્કલમાં અમારું સ્ટેશન પકડાઇ શકે તેવી વ્યવસ્થા કરીને યુનિ.ના વિદ્યાર્થીઓની પસંદનું સંગીત તેમજ મહત્વની બાબતોનો તેમાં સમાવેશ કરવાની યોજના છે.
નવમ્બર 07, 2010 (રવિવાર); ડીબી ગોલ્ડ, દિવ્ય ભાસ્કર, વડોદરા
No comments:
Post a Comment